બુધવાર, 20 જૂન, 2012

શબ્દોની સીમાઓ





                                અભીલાષા

કેવી રીતે મનની વાત કહું હું, આ દુનિયાની ભાષાઓમાં,
પ્રેમ ક્યાં બનવાનો છે, આ શબ્દોની સીમાઓમાં,

કંઇ જ નથી મારી પાસે, ખુદને તમને સોંપી રહ્યો છું,
સાથ નિભાવીશ જીવનભર, આ જ સંદેશો મોકલી રહ્યો છું,

નાના-નાના સપનાઓ મારા, નાની સરખી જ આશા છે,
હળીમળીને સુખ-દુઃખ વહેંચીએ, બસ આટલી જ અભીલાષા છે.શબ્દો ને ચડી ગઈ છે ખાલી,
ને નિતરે છે કલમ થી પાણી.. શબ્દો ને ચડી..








                         શબ્દો ને ચડી.. ખાલી


મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,

એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,

કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,

કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,

વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું

                      સુરજની જેમ સળગું છું


જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,

ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,

જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,

ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.

2 ટિપ્પણીઓ:

  1. ફેલાવીને આ વિશાળ પાંખ ઊડાન અમારી સફળતાના ગગન પર છે...
    મંઝિલની દૂરી માપી નથી, કારણ કે હજી હોંસલો અમારો અકબંધ છે...

    ગરુડ છીએ અમે, નજર સતેજ છે, કોઇ પારેવડું નથી કે ડરી જઈએ...
    પરવા નથી કોઇ ઝંઝાવાતની, આ ઊડાન અમારી વાદળોથી ઉપર છે

    જવાબ આપોકાઢી નાખો
  2. હે જીવ! ક્યારેક...

    લખેલું ભુંસાઈ જાશે...
    વાંચેલું વિસરાઈ જાશે..

    ગોખેલું ભૂલાય જાય..
    જોએલું અદ્રશ્ય થાય...

    શબ્દોના અર્થ બદલાઈ જાય ...
    અરે ભાવાર્થ પણ બદલાઈ જાય ..

    દુશ્મન મિત્ર થઈ જાશે?
    મિત્ર દુશ્મન થઈ જશે?

    દુનિયા આખી બદલાઈ જાશે ...
    હોઈ શકે ભગવાન પણ બદલાઈ જાય....

    જીવ જયારે તને તારી
    સાચી ઓળખાણ થાશે

    અનુભવ કામ નહિ આવે
    સંસાર અસાર દેખાશે...

    તારો આ "હું" મરી જશે ?
    તુજ તારો ભગવાન થશે...

    જવાબ આપોકાઢી નાખો